શામળાને પત્ર

પત્ર લખી શામળા ને કહો
તારી દુનિયામાં શું થાય છે ?

તારી જ વહાલી ગોકુળ ગાયો
ખુલ્લે આમ કપાય છે;
તને છેતરવા કાજે આજે
દુશાસન સૌ થાય છે.
પત્ર લખી શામળાને….

સુંદર તારી આ દુનિયામાં
તારા જ ભક્તો છેતરાય છે;
તારી પ્યારી એ યમુના આજે
દુર્ગંધથી ગંધાય છે.
પત્ર લખી શામળાને….

અન્યાય સામે બાધે એવો
અભિમન્યુ જ હણાય છે;
પાંચ પૈસા કમાવા માટે
શકુનિ ઊભા થાય છે.
પત્ર લખી શામળાને….

તને રીઝવવા માટે સૌ કોઈ
જાત્રા ધામે જાય છે;
કરોડોનું દાન કરે પણ
ભ્રષ્ટાચાર એનો ભાઈ છે.
પત્ર લખી શામળાને….

ધન્ય હતી એ ભારતભૂમિ ત્યાં
કરુણ આક્રંદ સંભળાય છે;
તને ધરતી પર લાવે એવો
નરસિંહ ક્યાં દેખાય છે.
પત્ર લખી શામળાને….

ટીવી સિરિયલો દેખી દેખીને
તારી જ મજાક થાય છે;
પૂછે બકુલ સુણ શામળિયા
તારી દુનિયામાં શું થાય છે ?
તારી દુનિયામાં શું થાય છે ?

Published by Bakul DK

I am UPSC aspirant...

Leave a comment

Design a site like this with WordPress.com
Get started